રાજકોટ તાલુકાના પડધરીમાં આવેલા આંબેડકર નગરમાં એક રહેણાંકના માલિકે પરપ્રાંતિય ભાડૂઆતને રાખ્યો હોવાનું અને તે અંગેની જાણ પોલીસ મથકે ન કરાવી હોવાની ફરિયાદ સ્થાનિક આગેવાને કરતાં પડધરી તાલુકા પોલીસે આ અંગે મકાન માલિક સામે જાહેરનામાના ભંગ સબબ બીએનએસની કલમ 223 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જો કે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ ભાડુઆત સમયાંતરે ચોક્કસ ધર્મની સભા યોજતો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હતા. સભામાં આવતાં લોકો એવું કહેતાં કે અહીં આવવાથી અમારા દુ:ખ દર્દ દુર થઇ જાય છે. જો કે આ બાબતની પુષ્ટિ પોલીસે કરી નથી.
પડધરીના એએસઆઇ રાજદિપસિંહ ભરતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આંબેડકર નગરના ભરત ચૌહાણના મકાનમાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પોરબંદરનો અતુલ કિશોરભાઇ ઢાંકેચા નામનો શખ્સ ભાડેથી, કોઇ પણ જાતના આધાર પુરાવા વગર રહે છે અને તેના શેઠે પણ આ અંગેની જાણ પડધરી પોલીસમાં કરી નથી. આથી મકાન માલિક ભરત ચૌહાણને બોલાવી પૂછપરછ કરાતાં આ બાબતને તેણે સ્વીકારી લેતાં મકાન માલિકે જાહેરનામાનો ભંગ કર્યાનું સાબીત થયું હતું. જેથી પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.