પડધરીના નાની અમરેલીમાં ખેતમજૂરી કરતાં મધ્ય પ્રદેશના વતની યુવકને નજીકની જ વાડીમાં કામ કરતાં પરપ્રાંતીય શખ્સે ગળામાં છરીના ઘા ઝીંકી માથું પથ્થરથી છૂંદી નાખી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકને આરોપીની પત્ની સાથે આડા સંબંધ હતા અને તે સંબંધની જાણ થતાં આરોપીએ કાસળ કાઢી નાખ્યું હતું.
નાની અમરેલી ગામે ઘનશ્યામભાઇ વરૂની વાડીમાં રહી ત્યાં ખેતમજૂરી કરતાં મધ્ય પ્રદેશના વતની ગુમાનસિંગ ચંદ્રસિંગ મુજાબડા (ઉ.વ.35)ની માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પડધરીના પીઆઇ એસ.એન.પટેલ સહિતની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ગુમાનસિંગને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી તેનું ગળું પણ કાપવામાં આવ્યાનું પીએમમાં સ્પષ્ટ થયું હતું. પોલીસે આ મામલે તપાસ કરતાં યુવકની હત્યા આડા સંબંધને કારણે થયાનું ખુલ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુમાનસિંગ જ્યાં ખેતમજૂરી કરતો હતો તેની નજીકમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના પીપલાડાનો બહાદુર માનસિંગ ભીલ પણ ખેતીકામ કરતો હતો. ગુમાનસિંગને નજીકમાં ખેતી કરતાં બહાદુરની પત્ની સાથે આડા સંબંધ હતા અને આ અંગે બહાદુરને જાણ થતાં તેણે પત્નીના પ્રેમીને પતાવી દેવાનો કારસો રચ્યો હતો. બહાદુરે પોતાની પત્ની સાથેના આડા સંબંધ બાબતે ગુમાનસિંગ સાથે વાત શરૂ કરી હતી અને ઉગ્ર બોલાચાલી થતાં બહાદુરે છરીના ઘા ગળે મારી દીધા હતા. હિચકારા હુમલાથી ગુમાનસિંગ ઢળી પડતાં બહાદુરે પથ્થરનો ઘા ઝીંકી તેનું માથું છૂંદી નાખ્યું હતું. હત્યા કરી બહાદુર નાસી જાય તે પહેલાં પોલીસે તેને ઝડપી લીધો હતો.