કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સરકાર કિન્નાખોરી દાખવી રહી હોવાના આક્ષેપ સાથે રાજકોટ આવેલા કોંગી નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી જન આક્રોશ રેલી બાદ દેશની આવનારી પેઢીને બરબાદ કરતા ડ્રગ્સ અને દારૂ માફિયાઓ સામે સમગ્ર ગુજરાતમાં જન આંદોલન શરૂ કરશે. આ ઉપરાંત, તેમણે તળપદી ભાષામાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકીય ઈશારે નાચનારા અને સંવિધાનના સોગંધ ખાનારા તમામ લોકોની હવે જોવા જેવી થશે, કારણ કે ‘દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પટ્ટા ઉતરી જશે તો પેન્ટ પણ નહિ સચવાય, જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે’.
ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકીય ઈશારે નાચનારા, સંવિધાનના સોગંધ ખાનારાઓની જોવા જેવી થવાની છે. દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પટ્ટા ઉતરી જશે તો પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે. જે લોકો દારૂ અને ડ્રગસના દુષણને પ્રોત્સાહન આપે છે અને પોતાની ફરજ ચુકી રહ્યા છે તેવા તમામ સામે જન આંદોલન થશે. જેની આગેવાની પરેશ ધાનાણી સહિત આખો કોંગ્રેસ પક્ષ લેવા તૈયાર છે, કાયદાકીય લડાઈ લડવાની પણ અમારી તૈયારી છે. જનતાના આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં આવા તમામ ડ્રગ્સ માફિયાઓ, બૂટલેગરો, મિલકત માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઇશું.