બિહારની પટના પોલીસે શુક્રવારે મોડી રાત્રે 12 વાગ્યે પૂર્ણિયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. પોલીસે 31 વર્ષ જૂના કેસમાં સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમના પર ભાડાના મકાન પર કબજો કરવાનો આરોપ છે.
પોલીસની ટીમ શુક્રવારે મોડી સાંજે પપ્પુ યાદવના પટનાના મંદિરી સ્થિત નિવાસસ્થાને ધરપકડ કરવા પહોંચી હતી. આ દરમિયાન લગભગ 3 કલાક સુધી હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. પહેલા તો પપ્પુ યાદવે પોલીસ સાથે જવાની ના પાડી દીધી. તેમણે કહ્યું- બિહાર પોલીસ મારી હત્યાનું કાવતરું ઘડી રહી છે. હું સીધો કોર્ટ જઈશ. પોલીસ સ્ટેશન નહીં જાઉં.
સાંસદના નિવાસસ્થાને મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ એકઠા થઈ ગયા. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે વધુ 50 પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા. પપ્પુ યાદવ માટે દવાઓ પણ મંગાવવામાં આવી. આ પછી પોલીસ પપ્પુ યાદવને પોતાની સાથે લઈ જવા લાગી.
આ દરમિયાન તેમના સમર્થકો પોલીસની ગાડી ઉપર ચઢી ગયા. સમર્થકો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી પણ થઈ. ઘણી જહેમત બાદ પોલીસ પપ્પુ યાદવને પોતાની સાથે લઈ ગઈ. તેમને હેલ્થ ચેકઅપ માટે IGIMS લઈ જવામાં આવ્યા છે. બાદમાં પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ જશે.