શહેરનાં બસ સ્ટેન્ડ પાછળ પ્રહલાદ પ્લોટ શેરી નં.38 માં રહેતાં રીટાબેન અતુલભાઇ સામાણી (ઉ.વ.54) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા. 11 ના સાંજના સમયે તેમના પુત્રવધુ ધારાબેન સાથે સંબધી રશ્મીબેન કે જેઓ કરણપરા શેરી નં- 17 માં રહે છે તેઓની ખબર કાઢવા માટે જતા હતા. તેણી પાસે બ્લેક કલરનું પર્સ હતુ. તે હાથમાં પકડેલ હતુ.પર્સમાં રૂ. 500 તેમજ મોબાઈલ ફોન હતો. તેઓ કરણપરા શેરી નં-17 કરણપરા પોલીસ ચોકીથી આગળ આવતા ત્યારે એક અજાણ્યો બાઈક ચાલક કે જે કેનાલ રોડ તરફથી ઘસી આવી અને તેણીના હાથમાં રહેલ પર્સની જોટ મારી તુરંત જ રાજશ્રી ટોકીઝ તરફ નાસી ગયેલ હતો. રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ.12,500ના મુદ્દામાલ ભરેલ પર્સની ચિલઝડપ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે તસ્કર હાર્દિક ઉર્ફે જાડો ઉર્ફે કરણ ગોપાલ ઝાલા (રહે.રેલનગર, અવધ પાર્ક) ને પકડી પાડી તેની પાસેથી બે ચોરાઉ બાઈક પણ કબ્જે કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ અલગ અલગ બે જગ્યાએથી બાઈક ચોરી કરી હતી. તેમજ તેને કરેલ ચિલઝડપના ગુનામાં મિત્રની બાઈકનો ઉપયોગ કર્યાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ચિલઝડપના મુદ્દામાલ કબ્જે કરવાં તેમજ અન્ય ચોરીઓના ભેદ ખોલવા સઘન પૂછતાછ આદરી છે.