ન્યૂડ કોલ બાદ પોલીસના નામે યુવક પાસેથી રૂ.84672 પડાવ્યા

સાયબર ગઠિયાઓ યેનકેન પ્રકારે છેતરપિંડી આચરતા હોય છે, રાજકોટ શહેરમાં રહેતા એક યુવકને ન્યૂડ કોલ આવ્યા બાદ દિલ્હી પોલીસના નામે ધમકાવી તેની પાસેથી 84672 પડાવવામાં આવ્યા હતા, એક પ્રૌઢાએ ઓનલાઇન ગાદલાના કવર મગાવ્યા હતા અને પાર્સલ નહીં મળતાં રિફંડ માટે અેપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ પ્રૌઢાએ રૂ.85 હજાર ગુમાવ્યા હતા એ જ રીતે એક યુવકે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના નામે રૂ.95700 ગુમાવ્યા હતા, જોકે આ ત્રણેય કેસમાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે જહેમત ઉઠાવી કુલ રૂ.1,59,972 પરત મેળવી ભોગ બનનારને પરત અપાવ્યા હતા.

શહેરમાં રહેતા અને કંપનીમાં નોકરી કરતાં 24 વર્ષના યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મોબાઇલ નંબર પરથી ચેટિંગ શરૂ કરવામાં આવ્યું હતું, સામાપક્ષેથી ચેટિંગ કરનાર યુવતી હતી, ત્રણેક દિવસ ચેટિંગ બાદ એક દિવસે ન્યૂડ કોલ આવ્યો હતો, ન્યૂડ કોલ આવતાં જ યુવક સજાગ થઇ ગયો હતો અને તુર્ત જ કોલ કટ કરી નાખ્યો હતો, જોકે ત્યાં સુધીમાં તેનો ચહેરો ગઠિયાઅોએ કેપ્ચર્ડ કરી લીધો હતો અને તેના ચહેરા સહિતનો ફોટો મોર્ફ કરી યુવકને તેવી તસવીરો મોકલવાનું શરૂ કર્યું હતું, થોડીવાર બાદ ફોન શરૂ થયા હતા અને દિલ્હી પોલીસની ઓળખ આપી ન્યૂડ વીડિયો કોલ બાબતે ધરપકડ વોરન્ટ નીકળ્યું છે અને આઠ વર્ષની સજા થશે તેમ કહી ધમકાવી યુવક પાસેથી રૂ.84672 પડાવ્યા હતા, પોતાની સાથે ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં જ યુવકે તેના મિત્રો સાથે વાતચીત કર્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરી હતી,

રાજકોટના હેડ કોન્સ્ટેબલ હરીભાઇ સોંદરવા સહિતની ટીમે જે તે બેંક અધિકારી સહિતનાઓનો સંપર્ક કર્યો હતો, ગઠિયાઓ તમામ રકમ હાથવગી કરી લે તે પહેલા રૂ.45172 સીઝ કરાવી પોલીસે તે રકમ ભોગ બનનાર યુવકને પરત કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *