ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે પ્રવેશ કરી લીધો છે. ટીમે મંગળવારે રાત્રે સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ 26 જુલાઈએ સાઉથ આફ્રિકા સાથે ફાઈનલ મેચ પણ રમશે.
મંગળવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 15.5 ઓવરમાં 3 વિકેટે 135 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. ટીમના ઓપનર ટિમ સીફર્ટે 66 રનની અણનમ ઇનિંગ રમી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો.
સાઉથ આફ્રિકાની ખરાબ શરૂઆત ટૉસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલા સાઉથ આફ્રિકાએ ખરાબ શરૂઆત છતાં 134 રન બનાવ્યા. ટીમે એક છેડેથી વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું, જ્યારે ઓપનર રીઝા હેન્ડ્રિક્સ બીજા છેડેથી રન બનાવતો રહ્યો. ઓપનર રાસી વાન ડેર ડુસેને 14, રૂબિન હર્મન 10 અને ડેવાલ્ડ બ્રેવિસ 13 રન બનાવ્યા અને લુઆન ડેર પ્રિટોરિયસ એક રન બનાવીને આઉટ થયો. રીઝા હેન્ડ્રિક્સે 41 રનની ઇનિંગ રમીને સ્કોર 100ને પાર પહોંચાડ્યો. રીઝા ઉપરાંત, જ્યોર્જ લિન્ડેએ અણનમ 23 રનનું યોગદાન આપ્યું.