દરેક ખાનગી શાળાઓએ ચાલુ વર્ષની FRCએ જે ફી મંજૂર કરી છે તેની વિગતો નોટિસ બોર્ડ પર ફરજિયાત લગાવવી પડશે. ફી નિયમન સમિતિએ આવો નિયમ તો કરી નાખ્યો પરંતુ તેનો અમલ જાણે ન કરાવી શક્યું હોય એમ અત્યાર સુધીમાં શહેર અને જિલ્લાની મોટાભાગની ખાનગી શાળાઓ પોતે કેટલી ફી વસૂલી રહ્યું છે, એફઆરસીએ કેટલી ફી વસૂલવાની મંજૂરી આપી છે તેની વિગતો નોટિસ બોર્ડ ઉપર દર્શાવતી નથી. મહત્વની બાબત એ છે કે, શાળાઓ આ નિયમનું પાલન કરે છે કે કેમ તેનું જિલ્લા શિક્ષણતંત્ર કોઈ તપાસ પણ કરતું નથી.
વાલીઓને પોતાના બાળકની જે-તે ધોરણની ફીની પૂરતી જાણકારી મળે તે માટે દરેક શાળાઓએ પોતાના નોટિસ બોર્ડ પર FRCએ ચાલુ વર્ષની મંજૂર કરેલી ફીની વિગતો મુકવા અગાઉ એફઆરસીએ આદેશ કર્યો હતો. આવું નહીં કરવા પર જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા શાળા સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ફીના ઓર્ડરની જાણ વાલીઓને થાય તે માટે શાળાઓએ નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાના હોય છે અને વેબસાઈટ પર પણ ફીની વિગતો દર્શાવવાની હોય છે. આમ, શાળાઓએ ફીની વિગતો લગાવવાની હોવા છતાં શાળાઓ દ્વારા નોટિસ બોર્ડ પર ફીની વિગતો લગાવવામાં આવતી નથી.