નેહરુનગરનો જમીન-મકાનનો ધંધાર્થી ઝડપાયો

રાજકોટ શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની રહી છે. ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ આવેલા સેવન સ્ક્વેર બિલ્ડિંગ સામે જાહેર રોડ પર પીસીબી ટીમે દરોડો પાડી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી આશિફ ઉર્ફે આલાપ મહેબૂબ કારિયાણિયા (રહે. નેહરુનગર) જમીન-મકાનના ધંધામાં સંકળાયેલ હોવાનું બહાર આવ્યું છે.પોલીસ તપાસમાં કબાટ અને બગી નામના બે બુકીના નામ ખૂલવાની સંભાવના વ્યક્ત થઇ છે.

અમદાવાદથી રાજકોટ તરફ આવતી સ્વિફટ કારમાં બેઠેલો શખ્સ ક્રિકેટ સટ્ટો રમી રહ્યાની પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી. પીસીબીના સ્ટાફે મળેલી બાતમીના આધારે કુવાડવા ચોકડી પાસે વોચ ગોઠવી સ્વિફ્ટ કારનો પીછો કરીને સેવન સ્ક્વેર બિલ્ડિંગ પાસે રોકી તપાસ કરવામાં આવી હતી.

કારમાં બેઠેલા આરોપીના મોબાઇલની તપાસ કરતા બ્રાઉઝરમાં રૂ.62,19,830નું બેલેન્સ જોવા મળ્યું હતું તેમજ ક્રિકેટ મેચ પર હાર-જીતના સોદા નોંધાયેલા મળ્યા હતા. વધુમાં તેની પાસે મળેલી ચિઠ્ઠીમાં તા.11-04-2026ની નોંધ સાથે સાંકેતિક ભાષામાં સટ્ટાના વ્યવહારો લખેલા હોવાને કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.પોલીસે આરોપી પાસેથી આશરે ₹30 હજારનો મોબાઇલ કબજે કર્યો છે.

આ અંગે પીસીબીના પોલીસ કર્મચારી નગીનભાઇ પોલાભાઇ ડાંગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે આશિફ ઉર્ફે આલાપ મહેબૂબ કારિયાણિયા, મોબાઇલ નં.90239 07864ના ધારક અને મોબાઇલ નં.84878 21621ના ઉપયોગ કરનાર અને તપાસમાં ખૂલે તેનું નામ આપ્યું છે. જેના આધારે બી-ડિવિઝન પોલીસે બે મોબાઇલ નંબરધારક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે અને ફરાર સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *