ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સાતમા દિવસે પહોંચી ગયું છે. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું હતું કે ઈરાનમાં કોઈ સુરક્ષિત નથી, જેમાં સુપ્રીમ લીડર ખોમેની પણ સામેલ છે. અગાઉ તેમણે કહ્યું હતું કે ઈરાન પરના હુમલાની સંપૂર્ણ કિંમત અમે ઈરાનને ચૂકવવા માટે મજબૂર કરીશું.
અગાઉ, ઈઝરાયલી સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે ખોમેની એક આધુનિક હિટલર છે. કાત્ઝે કહ્યું હતું કે, ‘ખોમેની જેવા સરમુખત્યારને જીવવાનો કોઈ અધિકાર નથી. તે હંમેશા પોતાના એજન્ટો દ્વારા ઈઝરાયલનો નાશ કરવા માંગતા હતા.’
આજે સવારે ઈરાનના ચાર ઈઝરાયલી શહેરો- તેલ અવીવ, બીરશેબા, રામત ગાન અને હોલોન પર મિસાઈલ હુમલા બાદ પીએમ નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન કાત્ઝે આ નિવેદન આપ્યું હતું. ઈરાને 30 મિસાઈલ છોડ્યા હતા, જેમાંથી 7 મિસાઈલ તેલ અવીવમાં ઈઝરાયલી સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ, બીરશેબામાં એક હોસ્પિટલ સહિત ઘણી જગ્યાએ પડી હતી.
આ હુમલાઓમાં 176 લોકો ઘાયલ થયા છે. 6 લોકોની હાલત ગંભીર છે. ઈઝરાયલી સંરક્ષણ પ્રણાલીએ બાકીની મિસાઈલોને પડતા અટકાવી હતી. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમે ઇઝરાયલી નાગરિકો અને હોસ્પિટલો પરના હુમલાની સંપૂર્ણ કિંમત ઇરાનને ચૂકવવા માટે મજબૂર કરીશું.
અત્યાર સુધીમાં 24 ઇઝરાયલી લોકો માર્યા ગયા છે. તે જ સમયે, વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર જૂથે દાવો કર્યો છે કે ઇરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચી ગયો છે અને 1329 લોકો ઘાયલ થયા છે.
દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયે ઇરાન પછી ઇઝરાયલથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાની જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું કે ઓપરેશન સિંધુ હેઠળ, ભારતીય નાગરિકોને જમીન સરહદ દ્વારા બહાર કાઢવામાં આવશે.