સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે IQAC (ઇન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ)ની બેઠક સવારે મળી હતી. IQACની નવી બનેલી કમિટીના સભ્યોની પ્રથમ બેઠકમાં યુનિવર્સિટીમાં NAACના સારા ગ્રેડ માટે ક્યાં ક્યાં મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેની ચર્ચા કરવામાં આવી હતી. નેક દ્વારા ઇન્સ્પેક્શન કરવાની પદ્ધતિમાં કરેલા ફેરફારના આધારે હવે જુદા જુદા 10 મુદ્દાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાંથી મુખ્ય 4 મુદ્દાની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિષ્ણાત શિક્ષણવિદોએ કહ્યું હતું કે, નેકમાં સારો ગ્રેડ મેળવવા માટે રિસર્ચ, અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ અને ફેકલ્ટી રિસોર્સિસ ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.
આઈક્યુએસીની બનાવેલી નવી કમિટીની પ્રથમ મિટિંગમાં નેકના ઇન્સ્પેક્શનમાં સૌથી વધુ મહત્ત્વના ચાર મુદ્દાની ચર્ચા કરી હતી. અગાઉના ચેકિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે જે મુદ્દાઓમાં માર્ક કપાયા છે અથવા મળ્યા નથી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય મુદ્દાઓમાં અભ્યાસક્રમમાં બદલાવ કરવાની પણ ચર્ચા કરી હતી કારણ કે, છેલ્લે વર્ષ 2019માં અભ્યાસક્રમ બદલ્યો હતો ત્યારબાદ કોઈ મેજર બદલાવ કરાયો નથી.