નીટના પેપર NTAની સિક્યુરિટી, પોલીસ બંદોબસ્ત સાથે મોકલાશે, પેપર લીક-ગેરરીતિ અટકાવવા નિર્ણય

એનટીએ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ વિદ્યાશાખાના પ્રવેશ માટે આગામી તા.4 મેના રોજ રાજકોટ સહિત દેશભરના નિયત કરેલા સેન્ટરો પરથી નીટની પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટમાં પણ જુદા જુદા 13 કેન્દ્ર પર 6313 વિદ્યાર્થી નીટની પરીક્ષા આપવાના છે. ત્યારે અગાઉ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને વિવાદને પગલે આગામી રવિવારે લેવાનારી પરીક્ષામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. આ વખતે પણ નીટની પરીક્ષા દરમિયાન પેપર લીક કે ગેરરીતિની ઘટના ન બને તે માટે પ્રશ્નપત્રો કેન્દ્રમાં મોકલતી વખતે એનટીએ એજન્સીની સાથે પોલીસ પણ રહેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીટના પેપર મોકલાશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ઉપર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. બુધવારથી પરીક્ષાના એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના શરૂ થયા છે. જે સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પરથી મેળવી શકાશે.

NTAની સિક્યુરિટી ટીમ સાથે જિલ્લાની પોલીસ અને વહીવટી તંત્રનો પણ બંદોબસ્ત રહેશે. ગત વર્ષે બનેલી પેપર લીક જેવી ઘટનાઓના પગલે આ વખતે પેપર અને OMR શીટના ટ્રાન્સપોર્ટેશન માટે પોલીસ એસ્કોર્ટ ફરજ પર રહેશે. પરીક્ષા પહેલાં પેપર પરીક્ષા કેન્દ્રો સુધી પોલીસ બંદોબસ્ત સાથે જ પહોંચાડવામાં આવશે અને પછી પેપર કલેક્ટ કરીને પણ કડક દેખરેખ હેઠળ ટ્રાન્સફર થશે. આ પરીક્ષામાં 180 પ્રશ્નનું પેપર લેવામાં આવશે. જેનો સમય બપોરે બેથી પાંચનો રાખ્યો છે.

માત્ર સરકારી સંસ્થામાં જ પરીક્ષા લેવાશે ગત વર્ષે NEETની પરીક્ષા દરમિયાન ગેરરીતિના કિસ્સાઓ સામે આવતાં આ વખતે પ્રથમ વખત એકપણ ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં નહીં આવે. માત્ર સરકારી સંસ્થા પર જ પરીક્ષા યોજાશે. આ ઉપરાંત કોરોનાકાળમાં 4 વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો, જેને હવે બંધ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *