રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળના વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો ભાગ પચાવી પાડવાનો ભાડૂઆતે પ્રયાસ કર્યો હતો. ભાડા કરાર પૂરો થઇ ગયો હોવા છતાં મકાન ખાલી કર્યું નહોતું.
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળની મોમ્બાસા એવન્યુ સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઇ ભટ્ટે (ઉ.વ.68) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોવિંદ અજા ખેરનું નામ આપ્યું હતું. દિલીપભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનું બે માળનું મકાન ઉપરોક્ત સ્થળે આવેલું છે. નીચેના માળે દિલીપભાઇ પોતે પરિવાર સાથે રહે છે તેમજ મકાનનો ઉપરનો માળ રૂ.8500ના માસિક ભાડે ગોવિંદ ખેરને આપ્યો હતો.
ગોવિંદ ખેર ઉપરોક્ત મકાનમાં ભાડેથી રહે છે અને 11 માસનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો. થોડા મહિના ભાડું ચૂકવ્યા બાદ ગોવિંદ ખેરે ભાડું ચૂકવવાનું બંધ કર્યું હતું અને નવેમ્બર 2023માં 11 મહિનાનો ભાડા કરાર પૂરો થતાં ભટ્ટ પરિવારે મકાન ખાલી કરવાનું કહેતા ગોવિંદે મકાન ખાલી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે નિવૃત્ત બેંક કર્મચારીની ફરિયાદ પરથી ગોવિંદ ખેર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.