રાજકોટ તાલુકાના કાલાવડ રોડ પર વાજડી વીરડા ગામે ફળઝાડના હેતુ માટે 3 એકર કિંમતી જમીન ભાડાપટ્ટા પર મેળવ્યા બાદ તેના પર બંગલો, ગોડાઉન, વાડા, નર્સરી સહિતના કોમર્સિયલ બાંધકામો ખડકી દેનાર નિવૃત્ત નાયબ મામલતદારના કરોડો રૂપિયાના ફાર્મનો સોમવારે સવારે જિલ્લા કલેક્ટરના આદેશના પગલે તાલુકા મામલતદારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કબજો લઇ લીધો હતો.
તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામે સરવે નં.120 પૈકી 5ની 3 એકર જમીન 1987માં તત્કાલીન કલેક્ટર રાજીવ ટકરૂના કાર્યકાળમાં ફળઝાડના હેતુ માટે 15 વર્ષના ભાડાપટ્ટે એમ.ડી.માંજરિયાને આપી હતી, પરંતુ તેઓએ આ જમીન પર 500 ચો.મી.માં બંગલો ખડકી દીધા બાદ રેસ્ટોરન્ટ બનાવવા મંજૂરી માગતા તેમની સામે 1990માં શરતભંગનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 2001ની સાલમાં તત્કાલીન કલેક્ટરે કોર્ટના આદેશથી ફળઝાડ માટે 2 એકર 35 ગુંઠા જમીનનો કબજો ફરી એમ.ડી.માંજરિયાને આપ્યો હતો અને 2002 સુધીમાં 15 વર્ષ મુજબ તેનો ભાડા કરાર પૂરો થતો હતો.
ત્યારબાદ પણ એમ.ડી.માંજરિયાએ આ જમીન જિલ્લા વહીવટી તંત્રને પરત આપી ન હતી અને રિન્યૂ માટે અરજી કરી હતી. 2008માં તત્કાલીન કલેક્ટરે 2002થી 2017 એમ 15 વર્ષ માટે આ જગ્યા રિન્યૂ કરી આપી હતી. ત્યારબાદ 2017માં તેની ભાડા કરારની મુદત પૂર્ણ થતા ફરી રિન્યૂ માટે અરજી કરી હતી, પરંતુ જિલ્લા કલેક્ટર તંત્રની તપાસ ચાલતી હોવાથી પુરાવાના આધારે 14-06-2024ના રોજ કલેક્ટર પ્રભવ જોશીએ ભાડા કરાર રિન્યૂ કરવાની માગણી ફગાવી દીધી હતી. જેનાથી નારાજ થઇને માંજરિયાએ એસ.એસ.આર.ડી.માં અપીલ કરી હતી, પરંતુ એસ.એસ.આર.ડી.એ પણ કલેક્ટરનો હુકમ માન્ય રાખી એમ.ડી.માંજરિયાની અરજી ફગાવી દેતા સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જગ્યાનો કબજો લઇ તેને સીલ મારી દીધા હતા.