રાજકોટમાં નવરાત્રી પર્વ દરમિયાન અર્વાચીન રાસોત્સવમાં નિલ સીટી ક્લબના દાંડિયામાં જમાલ કૂડુ અને શકીરાના ગીત વગાડી તેના પર થતા ડાન્સનો વીડિયો વાઈરલ થયા બાદ હવે હિન્દુ સંગઠન મેદાન આવ્યુ છે. હિન્દુ જાગરણના રાજકોટના સંયોજક મંગેશ દેસાઈએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી છે અને આ પ્રકારના અશ્લીલ ડાન્સથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરી છે.
તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, નિલ સીટી ક્લબમાં અર્વાચીન રાસોત્સવનુ આયોજન થયેલું છે. જેમાં 5 ઓક્ટોબરના રાત્રીના સમયે જમાલ કુડુ અને શકીરાના અશ્લીલ ગીતો વગાડી દારૂની બોટલો રાખી અશ્લીલ પ્રકારના ડાન્સ થયેલા છે. જેનો વીડિયો વાઈરલ થયો છે. જેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આ ઉપરાંત રાત્રે 2 વાગ્યે ત્યાં સ્વિમિંગ પૂલમાં રેઇન ડાન્સની પણ પાર્ટીઓ થાય છે. જેથી તાત્કાલિક અસરથી આ બંધ કરાવવામાં આવે અને આ બાબતે સત્વરે પગલા લેવામાં આવે.