રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગણેશોત્સવ વખતે રામનગર સોસાયટી પાસે નવા થોરાળા શેરી નં. 4/6 કોર્નર પર આવેલા નિલેશ ડેરી ફાર્મમાંથી ચોકલેટ મોદકનો નમૂનો લઇ પૃથક્કરણ માટે ફૂડ વિભાગની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
જેનો રિપોર્ટ આવી ગયો હતો અને પૃથક્કરણ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચોકલેટ મોદકમાંથી સિન્થેટિક ફૂડ કલર(ટ્રાટાઝીન)ની માત્રા ધારાધોરણ કરતા વધુ હોવાથી નમૂનો સબ સ્ટાન્ડર્ડ( ફેલ) જાહેર કરવામાં આવ્યો હતો અને હવે તેમની સામે એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત શુક્રવારે ટીમે કરેલા ચેકિંગ દરમિયાન અનેક ધંધાર્થીઓ પાસે લાઈસન્સ ન હતા આથી 5 ધંધાર્થીને નોટિસ આપી લાઈસન્સ લેવા સૂચના અપાઈ છે.
3 સ્થળેથી ઘી અને બાલાજી વેફર્સના નમૂના લેવાયા ફૂડશાખાએ મોરબી રોડ પર જલારામ સોસાયટીમાં આવેલા શ્રી પટેલ વિજય સ્વિટ એન્ડ નમકીનમાંથી શુદ્ધ ઘી, પેડક રોડ પર મનહર સોસાયટી-1માં હરેરામ હરેકૃષ્ણ ડેરી ફાર્મમાંથી શુદ્ધ ઘી, કોઠારિયા મેઇન રોડ પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પર જય ખોડિયાર પાર્કમાં આવેલા માધવ ડેરી ફાર્મમાંથી શુદ્ધ ઘી અને માધાપર સર્વે નં.25માં એરટેલની ઓફિસની સામે બાલાજી સેલ્સ એજન્સીમાંથી બાલાજી ક્રન્ચેકસ સિમ્પલ સોલ્ટેડ બટાટા વેફર્સના નમૂના લીધા હતા અને તપાસણી માટે લેબમાં મોકલ્યા હતા.