રાજકોટમાં કન્સ્ટ્રકશન સાઈટના 9 મા માળેથી પડી જતા એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે. શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ડાયમંડ હીલ નામની 14 માળની બિલ્ડીંગનુ કામ ચાલી રહ્યું છે જ્યાં ગતરાત્રીના 9 માં માળે 29 વર્ષીય રાજુ નાનસિંહ વસુનીયા નામનો શ્રમિક સૂતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી લોહી લુહાણ હાલતમાં આ મજુરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન શ્રમિકે દમ તોડી દીધો હતો. મૂળ મધ્યપ્રદેશનો આ પરિવાર છેલ્લા બે વર્ષથી રાજકોટમાં અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરી રહ્યો હતો આ દરમિયાન યુવાન શ્રમિકનુ મૃત્યુ નીપજતા પરિવારમાં કલ્પાંત ફેલાયો હતો. જોકે આ અંગે હાલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે.
દેવેન્દ્ર ઉર્ફે રાકેશે જણાવ્યું હતું કે, રાત્રે હું નિંદરમાં હતો ત્યારે મને કહેવામાં આવ્યું કે મોટાભાઈ ને ઇજા થઈ છે જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાના છે. મારો ભાઈ નવમાં માળેથી પડી ગયો હોવાથી ગંભીર ઇજા પહોંચી હતી પરંતુ અહીં તેમનું મૃત્યુ નીપજ્યું છે અમે મધ્યપ્રદેશના છીએ અને છેલ્લા 2 વર્ષથી અહીં મજૂરી કામ કરીએ છીએ.
જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરો પાસે કામ કરાવતા મેનેજર વિશાલ જાદવે જણાવ્યું હતું કે, નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે જ્યાં અકસ્માત થયો છે. રાત્રિના મજુર સૂતો હતો ત્યારે પગ લપસી જવાથી કે અન્ય કોઈ કારણોસર તે નવમા માળેથી નીચે પડી ગયો હતો અને તેને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મને આ પ્રકારની ઘટનાની જાણ થઈ એટલે સીધો હું સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો. ડાયમંડ હિલ નામની કન્સ્ટ્રક્શન સાઇટના માલિક માધવભાઈ ભૂત છે.