પરીક્ષાખંડમાં સુપરવાઈઝરની હાજરી હોવા છતાં ‘ચૂપકે-ચૂપકે’ વાતો કરવી કે આજુબાજુમાં પૂછીને પેપર લખવું હવે ભૂતકાળ બની ગયું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ સુપરવાઈઝરની નજર બચાવીને ગેરરીતિ કરતા હતા, તેમને CCTV કેમેરાએ ઝડપી પાડ્યા છે.
સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 95 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ નોંધી તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની ડીવીડી તપાસવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
અનેક પરીક્ષાર્થીઓ સુપરવાઈઝર જ્યારે બીજી તરફ હોય ત્યારે અંદરોઅંદર વાતચીત કરતા, ઇશારા કરતા અને પાછળના વિદ્યાર્થીના પેપરમાં ડોકિયું કરતા કેમેરામાં કેદ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી હરકતો છતાં ક્લાસમાં હાજર સુપરવાઈઝરને આ બાબત ધ્યાને આવી નહોતી.