રાજકોટના મવડી રામધણ પાછળ રહેતા અને 150 ફૂટ રિંગ રોડ સંસ્કાર હાઇટ્સમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ઓફિસ ચલાવતાં યુવા વેપારીને બાંગ્લાદેશમાં રહી શાકભાજીનો વેપાર કરતાં કોલકાતાના વેપારીએ આદુનો માલ બાંગ્લાદેશ મગાવી બારોબાર આદુ વેચી નાંખી તેના રૂ.21 લાખ પાછા ન આપી ઠગાઈ કરતાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે મવડી રામધણ પાછળ શ્રીનાથજી પાર્ક-1માં રહેતા અને શાકભાજી અને ફળોના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ફેનિલભાઈ વિનોદભાઈ બારસિયા (ઉ.વ.25)ની ફરિયાદ પરથી અભિષેક રોય સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. વેપારી સાથે બાંગ્લાદેશમાં આદુની નિકાસના નામે રૂ.21 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. લેટર ઓફ ક્રેડિટ(એલઓસી)ની મદદથી વિશ્વાસ કેળવી આરોપીએ વેપારી પાસેથી માલ ખરીદાવ્યો હતો અને ત્યારબાદ આ આખો જથ્થો મૂળ ગ્રાહકને મોકલવાને બદલે બારોબાર વેચી નાખ્યો હતો. વેપારીએ જણાવ્યું છે કે, તે ફળો-શાકભાજીનું એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરે છે. તે આ વ્યવસાય અર્થે મહારાષ્ટ્રના નામપુર ખાતે ગયા હતા. જ્યાં તેમની મુલાકાત રાહુલભાઈ ઠાકુર સાથે થઈ હતી. રાહુલભાઈએ તેમને કોલકાતાના અભિષેક રોયનો સંપર્ક કરાવ્યો હતો.