ફાલ્ગુનીબેન બિપીનચંદ્ર પાટડીયા (ઉં.વ.31) આજે સવારે 10 વાગ્યે પોતાના ઘરે હતી ત્યારે બાથરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને જાણ થતા ફાલ્ગુનીને તુરંત જ સિવિલ હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસે આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
ત્યારબાદ પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ફાલ્ગુની આજે સવારે બાથરૂમમાં નહાવા જવાનું કહી ઉપરના રૂમના બાથરૂમમાં ગઈ હતી, જ્યાં બાથરૂમની સિમેન્ટની બારીમાં સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બોવ વાર સુધી દીકરી બહાર ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો ન ખોલતા પિતા સહિતનાએ દરવાજાને તોડી બાથરૂમમાં જોતા પુત્રી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. તેને તુરંત હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. ફાલ્ગુની બે બહેન, ત્રણ ભાઇમાં સૌથી નાની હતી. અભ્યાસ પૂરો કરી લીધા બાદ માતાને ઘરકામમાં મદદ કરતી હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.