જસદણના નાની લાખાવડ ગામે બે દિવસ પહેલા પતિના આડા સંબંધથી કંટાળેલી પત્નીએ રાત્રીના સમયે ધારીયા અને હથોડાના 25 જેટલા ઘા મારી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ જસદણ પોલીસની વધુ તપાસમાં પત્નીની સાથે પુત્રની પણ સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે પુત્ર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં બન્ને આરોપીઓએ સમગ્ર બનાવની કબુલાત આપતા જસદણ પોલીસે બન્ને હત્યારાને ગોંડલ જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં વલ્લભભાઈ અરજણભાઈ બાવળીયાની પત્ની ભાનુબેન અને પુત્ર જયેશે વલ્લભભાઇના આડા સંબંધની શંકાએ હત્યા કરી હોવાનું જણાવતા પીઆઈ ટી.બી.જાનીએ મૃતકના ભાઈ વસંતભાઈની ફરિયાદના આધારે નવા કાયદા મુજબ બી.એન.એસ. 2023ની કલમ 103(1) 54 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ભાનુબેન અને પુત્ર જયેશની ધરપકડ કરી કાર્યવાહી જસદણ પીઆઈ ચલાવી રહ્યા છે. > કે.જી.ઝાલા -ડીવાયએસપી જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી. જાની સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને હત્યા કરી નાસી જનાર તેની પત્ની ભાનુબેનની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા ભાનુબેને કબુલાત આપી હતી કે, બનાવની રાત્રે તેનો પતિ વધારે પડતો ઝઘડો કરતો હોવાથી બાજુમાં જ રહેતા તેના પુત્ર જયેશે આવી ઝઘડો કરવાની ના પાડી હતી. પરંતુ પુત્ર સાથે પણ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી જયેશે કંટાળી જઈ તેના પિતા વલ્લભભાઈના હાથ પાછળથી પકડી રાખ્યા હતા અને ભાનુબેને રૂમમાં પડેલ ધારીયા અને હથોડી વડે તેના પતિના માથાના ભાગે અને શરીરમાં આડેધડ 25 જેટલા ઘા મારી દીધા હતા. જેથી જસદણ પોલીસે મૃતકના ભાઈ વસંતભાઈ અરજણભાઈ બાવળીયાની ફરિયાદના આધારે નવા કાયદા મુજબ બી.એન.એસ. 2023 ની કલમ 103(1) 54 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી હતી