નાનામવા રોડની હોટેલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ: વેઈટર સામે નોંધાતો ગુનો, ધરપકડ

શહેરના નાનામવા રોડ પર આવેલી એક જાણીતી હોટલમાં કામ કરતી સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. માત્ર 15 દિવસ પહેલાં જ નોકરીમાં જોડાયેલી 17 વર્ષની યુવતીને એકલી જોઈ હોટલના જ વેઇટરે શિકાર બનાવતા શહેરમાં ચકચાર મચી છે. રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં 36 વર્ષના આરોપીને ઝડપી લીધો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નેપાળથી રોજગાર માટે રાજકોટ આવેલી સગીરા હોટલમાં નોકરી કરતી હતી અને હોટલ પાછળ આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં પોતાની બહેનપણી સાથે રહેતી હતી. બુધવારે બપોરે સગીરા રૂમમાં એકલી હતી ત્યારે હોટલમાં જ કામ કરતો વેઇટર રૂમ સાફ કરવાની આડમાં અંદર ગયો હતો. એકાંતનો લાભ લઈ તેની નીતિ બગડી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી તરત જ ફરાર થઈ ગયો હતો.

ઘટનાથી સ્તબ્ધ બનેલી સગીરાએ શરૂઆતમાં માથાકૂટ થયાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં બહેનપણીને સમગ્ર હકીકત કહી હતી. ત્યારબાદ બંને રાજકોટ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે સંવેદનશીલતા દાખવી પૂછપરછ કરતાં દુષ્કર્મની હકીકત બહાર આવી હતી.

પોલીસે સગીરાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી નેપાળી શખ્સ યોગેન્દ્ર લુહારને ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સાથે જ હોટલના સંચાલકની જવાબદારી અંગે પણ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ હોટલ માલિક સૌમિલ અથવા સુમિત નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે, જેને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે.આ બનાવ બાદ હોટલોમાં કામ કરતી મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને હોટલ સંચાલકોમાં પણ ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *