રાજકોટના રૈયા ગામની સીમમાં પોતાની વાડીમાં ખેતીકામ કરતા મુકેશભાઇ મોહનભાઇ રોજાસરાને તેની ભાભીને તેના ગામમાં રહેતા દેવાભાઇ સાથે આડા સંબંધ હોવાની જાણ થતા તેને તેના પિતાને વાત કરી હતી અને હાલ ભાભીની દીકરીના લગ્ન હોય તેથી આવા સંબંધ યોગ્ય ન કહેવાય. જેની જાણ થતા આરોપી તેના મોટાભાઇ રાજુ ઉર્ફે રાજાભાઇ મોહનભાઇ રોજાસરાએ આ બાબતે આપણા કુટુંબની આબરૂ ઉછાળે છે કહેતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં તા.5-7-2017ના રોજ મૃતક બાઇક લઇ જતા હતા ત્યારે બોલેરો યુટીલીટી લઇ નિકળેલા તેના મોટાભાઇએ ઠોકરે લઇ મોતનેઘાટ ઉતારી દેવાના બનાવમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.
સરકારી વકીલ એસ.કે.વોરાએ રજૂઆત કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારમાં જે જગ્યાએ અકસ્માત થયો છે. તે રસ્તો કાચો અને સાંકડો હોવાથી ફોર વ્હિલ વાહન અતિશય સ્પીડમાં ચાલી શકે તેમ ન હોવા છતાં આરોપીએ ફુલ સ્પીડમાં ચલાવીને ગુજરનારની પાછળ જઇ રહેલા હતા તેથી આકસ્મિક રીતે આવો અકસ્માત થાય તે અશક્ય છે. આ ઉપરાંત આટલા સાંકડા રસ્તામાં અતિશય સ્પીડે વાહન ચલાવવા પાછળ કોઇનું ઇરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો જ ઉદ્દેશ હોય શકે. આ કેસની ખાસિયત એ છે કે, મોટાભાઇએ અતિશય સ્પીડમાં વાહન ચલાવી નાનાભાઇના મોટરસાઇકલ સાથે પાછળથી ભટકાડેલ છે તે સાબિત કરે છે કે આવું કૃત્ય અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વકની હત્યા છે. સહિતની દલીલો સાથે રજૂઆત કરતા જજ ગોહિલે આરોપી રાજુભાઇ રોજાસરાને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફરમાવ્યો હતો.