શહેરની ભાગોળે નાગલપરમાં કલરવપાર્ક સોસાયટીમાં બિલ્ડરના ફાર્મહાઉસની રખેવાળી કરતાં પરિવારના ઘરે જઇ પાડોશીએ તોડફોડ કરી રખેવાળનું અપહરણ કર્યું હતું અને તેને ઢોરમાર મારી છોડી દીધો હતો, અમારા ઘર પાછળના છોડવા ઉખેડી નાખ્યા તેમ કહી પાડોશીએ ધમાલ કરી ઘટનાને અપહરણ સુધી પહોંચાડી હતી.
શહેરના ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતા બિલ્ડર મનીષભાઇ હરસુખભાઇ વૈધ (ઉ.વ.53)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાગલપરની કલરવપાર્ક સોસાયટીમાં રહેતા અજય પરસોંડા અને તેની સાથેના સાત અજાણ્યા શખ્સ હોવાનુંકહ્યું હતું.
મનીષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કલરવપાર્કમાં પોતે 140 મકાનનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે અને મકાનની દેખરેખ પીપળિયાના નાજાભાઇ માટિયા અને તેના પત્ની જયાબેન રાખે છે. ગત તા.25ના નાજાભાઇએ માણસો પાસે કલરવપાર્કમાં સફાઇ કામ કરાવ્યું હતું અને તા.27ના કલરવપાર્કમાં રહેતા અજય પરસોંડા અને તેની પત્નીએ નાજાભાઇ સાથે માથાકૂટ કરી હતી કે, સફાઇકામ વખતે અમારા ઘર પાછળના છોડ ઉખાડી નાખવામાં આવ્યા છે, આ અંગેની જાણ થતાં બિલ્ડર મનીષભાઇ વૈધ અન્ય કેટલાક લોકો સાથે કલરવપાર્ક ગયા હતા અને અજય હાજર ન હોય તેની પત્નીને આ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેણે માથાકૂટ કરતા મનીષભાઇ સહિતના પરત આવી ગયા હતા.