રાજકોટ નાગરિક સહકારી બેંકની ગત નવેમ્બર માસમાં યોજાયેલી ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ રદ થવા તેમજ અન્ય ગેરરીતિઓ સહિતની બાબતોનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ મામલે આર્બિટ્રેટરની નિમણૂક કરવાનો આદેશ કરાતા રાજ્ય સરકારે આર્બિટ્રેટર તરીકે હાઈકોર્ટના વકીલ હર્ષિત શિરીષચંદ્રન ટોળિયાની નિમણૂક કરી છે. હવે આ વિવાદની અરજી અને સુનાવણી આર્બિટ્રેટર સમક્ષ થશે અને નિર્ણય લેવાશે.
નાગરિક બેંક બચાઓ સંઘના પ્રમુખ ચંદુભા પરમાર અને વિબોધ દોશીએ જણાવ્યું હતું કે, બેંકમાં ડિરેક્ટર પદની ચૂંટણી દરમિયાન પૂર્વ ડિરેક્ટર કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલે ફોર્મ ભર્યા હતા. જોકે 15 ફોર્મ રદ કરી દેવાયા હતા. જેમાં ચારના ફોર્મ ડ્યુઅલ મેમ્બરશિપના આધારે રદ થયા હતા. જેને લઈને સંસ્કાર પેનલે સહકાર વિભાગના કેન્દ્રીય રજિસ્ટ્રાર અને રાજ્યના રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ પરત્વે હજુ કાર્યવાહી પૂરી થઈ ન હતી તેવામાં મામલો કોર્ટમાં ગયો હતો. જેમાં એસસીએ 9190/2025 નંબર કેસ દાખલ થયો હતો. હાઈકોર્ટમાં આ મામલે આર્બિટ્રેટરની નિમણૂક કરવાનો આદેશ અપાયો હતો. જેથી રાજ્યના રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ્ઝ મિતેષ પંડ્યાએ આર્બિટ્રેટર તરીકે હાઈકોર્ટના ધારાશાસ્ત્રી હર્ષિત શિરીષચંદ્રન ટોળિયાની નિમણૂક કરતો પરિપત્ર કર્યો છે. હાલ તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને નવનિયુક્ત 21 ડિરેક્ટર પદ પર પણ છે. જોકે આમ છતાં આ નિમણૂક થતા હવે ફરિયાદીઓ પોતાની અરજી તેમજ આધાર પુરાવાઓ સાથે અરજી કરી શકશે.