નાકરાવાડીમાં પ્રદૂષણ પર કાબૂ કરવા ફરી જીપીસીબીની મનપાને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી કચરો એકઠો કરીને નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં ઠાલવે છે. આ સ્થળે કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે પણ મનપાની બેદરકારીને કારણે કચરો આસપાસના ગામોમાં ફેલાતા પ્રદૂષણ ફેલાયું છે. છેલ્લા થોડા સમયથી રાહત હતી પણ ફરીથી નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું છે. જેને લઇને ગ્રામવાસીઓએ જીપીસીબીને જાણ કરી હતી.

સ્થળ તપાસમાં પ્રદૂષણ દેખાતા બીજા જ દિવસે મંગળવારે જીપીસીબીએ મનપાને નોટિસ ફટકારી છે. આવી નોટિસ છેલ્લા 20 વર્ષથી આવી રહી છે છતાં મનપા પ્રદૂષણ પર કાબૂ મેળવી શકી નથી. જીપીસીબીએ નોટિસમાં જણાવ્યું છે કે, નાકરાવાડીમાં જે કચરાના ઢગ છે તેમાંથી પાણી નીકળી રહ્યું છે જે ગંદું અને કાળા રંગનું પાણી આસપાસના વિસ્તારોના નદી-નાળામાં વહી રહ્યું છે. આ ગંદકીથી જળપ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે અને ડેમ છલકાયા છે. જો કે નાકરાવાડી અને આસપાસના ગામોમાં પ્રદુષિત પાણીના ઘોડાપૂર આવ્યા છે. નાકરાવાડીમાં કચરાના જે ડુંગરા પ્રોસેસિંગ કર્યા વગર પડ્યા છે તેના પર વરસાદ પડતા કચરો ગાળીને પાણી નદી નાળામાં પડ્યુ છે. આ કારણે આખા ગામમાં દુર્ગંધ ફેલાઈ છે અને જળના સ્ત્રોત દુષિત થયા હતા. ગંદુ પાણી આવતા જ ગ્રામજનોએ જીપીસીબીને જાણ કરી હતી અને મનપાના કચરાના ડમ્પર અટકાવી દીધા હતા. જીપીસીબીએ તપાસ કરીને બીજા જ દિવસે નોટિસ ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *