શહેરમાં માનવતાને શર્મસાર કરી નાખે તેવી હૃદયદ્રાવક અને આક્રોશજનક ઘટના સામે આવી છે. નાકરાવાડી ડમ્પિંગ સાઈટના કચરામાં ભ્રૂણ ફેંકી દેવાયું હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. નિર્દયતાની હદ પાર કરતી આ ઘટનાએ લોકોને અંદરથી હચમચાવી દીધા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મંગળવારે સાંજે મહાપાલિકાની ડમ્પિંગ સાઈટ પર કચરો હટાવતી હિટાચી મશીનના ડ્રાઈવરની નજર અચાનક ભ્રૂણ પર પડતા તે સ્તબ્ધ થઈ ગયો હતો. તાત્કાલિક અન્ય કર્મચારીઓ, 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
108ની ટીમે પહોંચી તપાસ કરતા ભ્રૂણ મૃત હાલતમાં હોવાનું જાહેર કર્યું હતું. કુવાડવા રોડ પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું.આ કૃત્ય પાછળ કોણ છે અને ભ્રૂણ અહીં સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તીવ્ર તપાસ ચલાવી રહી છે.