નવી પાર્કિંગ પોલિસી બાદ 29 સાઇટ્સ કોન્ટ્રાક્ટર વિહોણી

શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્ક પોઇન્ટ ઊભા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, પરંતુ થોડા સમય પહેલા નવી પાર્કિંગ પોલિસી લાગુ થયા બાદ અનેક સાઇટ પર કોન્ટ્રાક્ટરોએ રસ લેવાનું બંધ કર્યું છે અને તેના પરિણામે 29 જેટલી સાઇટના ટેન્ડર 3-3 વખત બહાર પાડવા છતાં કોઇ કોન્ટ્રાક્ટર આવતા ન હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. આ સંજોગોમાં ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાએ નવા ટેન્ડર બહાર પાડ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, દસ્તુર માર્ગ, કાલાવડ રોડ, સર્વેશ્વર ચોક, ઢેબર રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિવિધ માર્ગો પર અંદાજે 100 જેટલા પોઇન્ટ પર પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં સરકારની નવી પોલિસી મુજબ પાર્કિંગ ચાર્જમાં વધારો થતા અને પાર્કિંગના ન્યૂનતમ કલાકો વધી જતા હાલમાં કોન્ટ્રાક્ટરો પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ લેવાથી કતરાઇ રહ્યા છે અને લોકો પણ તેમાં વાહન પાર્ક કરવાથી દૂર રહે છે.

જેના પરિણામે મહાનગરપાલિકાએ 3-3 વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં 29 સાઇટો હજુપણ કોન્ટ્રાક્ટર વિહોણી છે. જોકે થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટમાં સિન્ડિકેટ થતા સ્ટેન્ડિંગ કમિટીએ રિ-ટેન્ડરના હુકમ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *