મહેસાણામાં રહેતા એક પંજાબી કાકાને બીજા લગ્ન કરવા ભારે પડ્યા છે. નવી દુલ્હને અલગ અલગ બહાનાં બતાવીને 98 લાખનો ચૂનો ચોંપડ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં કાકાની નવી પત્ની, તેનો પુત્ર અને તેની બહેનપણી પણ સામેલ છે.
આ રીતે કાકાના સંપર્કમાં આવી મનદીપ
ઘટનાની વિગતે વાત કરીએ તો મહેસાણામાં રહેતા અને મૂળ પંજાબના એક કાકાની પત્નીનું અને પુત્રનું કોરોનામાં નિધન થતાં તેઓ અને તેમની પૌત્રી એકલવાયું જીવન જીવતાં હતાં. પૌત્રીની સાળસંભાળ લેવા માટે તેમણેએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.એજેમાં ‘shaadi.com’ એપ મારફત પંજાબના લુધિયાણાની મનદીપ કૌર નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. બાદમાં બને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
રૂબરૂ મળ્યા બાદ કાકાએ લગ્ન કર્યા
આ બાદ કાકા 28 નવેમ્બર 2022ના રોજ લુધિયાણામાં મનદીપને મળવા ગયા હતા, જેના 15 દિવસ બાદ મનદીપે કાકાને ફરીથી મળવા બોલાવ્યા હતા અને કાકા ગયા ત્યારે પોતાની બહેનપણી શિલ્પા શર્માના ઘરે મળ્યા હતા, જ્યાં બંનેના લગ્નની વાત થઇ હતી. ત્યાર બાદ 17 જાન્યુઆરી 2023ના રોજ પંજાબના ઝીરા તાલુકા ફિરોઝપુર ખાતેના ગુરુદ્વારામાં બંનેનાં લગ્ન થયાં હતાં.
લગ્ન બાદ બંને પતિ-પત્ની મહેસાણા આવ્યાં હતાં. મહેસાણા આવ્યા બાદ મનદીપ કોઈ ને કોઈ બહાને કાકાને શારીરિક સંબંધ બાંધતા રોકતી હતી અને અવારનવાર પંજાબ જતી આવતી હતી. મનદીપ જ્યારે પંજાબ જઇને આવતી ત્યારે તેની બહેનપણી શિપ્લા પણ મહેસાણા આવતી હતી. મનદીપ જ્યારે પંજાબ જતી ત્યારે કોઈ સગાવહાલા બીમાર છે એમ કહીને કાકા પાસેથી પૈસા લેતી હતી. મનદીપે મીઠી મીઠી વાતો કરીને કાકાનો વિશ્વાસ જીતી લીધો હતો. આ દરમિયાન કાકાએ પોતાની મૃત પામેલી પત્નીના દાગીના પણ મનદીપને પહેરવા આપ્યા હતા.