રાજકોટના જામનગર રોડ પર આવેલા વર્ષો જૂના સાંઢિયા પૂલને રેલવેતંત્રના અભિપ્રાય બાદ મહાનગરપાલિકા રૂ.74 કરોડના ખર્ચે ફોરલેન બ્રિજ બનાવી રહી છે અને હાલમાં બ્રિજની કામગીરી 37 ટકા પૂર્ણ થઇ છે અને હજુપણ બ્રિજની કામગીરી પૂર્ણ થતા 1 વર્ષ જેટલો સમય લાગશે અને માર્ચ-2026માં બ્રિજનું કામ પૂરું થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.
સાંઢિયા પુલની જગ્યાએ નવો ફોરલેન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત ગત વર્ષે કરાયું હતું. રાજકોટનો આ પહેલો એવો બ્રિજ છે કે જે પૂરેપૂરો તોડીને નવો બનાવવાનો થાય છે. આથી પુલ તોડવાનું કામ પણ મોટું બન્યું હતું. ફોર ટ્રેક બ્રિજ 600 મીટરની લંબાઇનો બનાવવાનો છે. આ બ્રિજની પહોળાઇ 16.40 મીટર રહેવાની છે. સૌ પહેલા રેલનગરના ખુણાવાળા રોડે પીલર ઊભા કરીને બ્રિજનું કામ શરૂ કરાયુ હતું. તે સાથે ભોમેશ્વર તરફ જવા માટે નવો ડાયવર્ઝન રોડ કાઢવામાં આવ્યો હતો. આ બ્રિજ 1977ની સાલમાં પીડબલ્યુડીએ બનાવ્યો હતો. પરંતુ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બાદ તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવતા આ પુલ અસલામત હોવાનું રેલવેતંત્રે જાહેર કર્યું હતું. આ બ્રિજમાં સિવિલ હોસ્પિટલ સાઇટ 298, માધાપર સાઇડ 268 અને મધ્યમાં 36 મીટરમાં કામ થવાનું છે. 54 ફૂટની ઊંચાઇના આ બ્રિજમાં 20માંથી 16 પુટિંગ ભરાયા છે. 40માંથી 26 પીલર ઊભા થયા છે. તેમજ 20માંથી 10 પીયર કેપ અને 120માંથી 78 ગડરના કામ થયા છે.