હિરાસર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પ્રથમ વખત મુલાકાત લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર 5 મિનિટનું ટૂંકું રોકાણ કરશે અને ત્યાંથી સીધા દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતું હોય એરપોર્ટ પર ગ્રીનરૂમ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ અને નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરે તેવી પણ સંભાવના છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 1 માર્ચથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા હોય, વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. જામનગર, સોમનાથ, સાસણની મુલાકાત લેશે. સોમનાથથી સોમવારે બપોરે નીકળ્યા બાદ તેઓ હેલિકોપ્ટર મારફત રાજકોટના હિરાસર એરપોર્ટ પર બપોરે અંદાજિત 2.30 કલાકે પહોંચે તેવી સંભાવના છે ત્યાંથી તેઓ સ્પેશિયલ એરક્રાફટમાં દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનની આ ટ્રાન્ઝિટ વિઝિટ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ ગ્રીનરૂમ કન્ટ્રોલરૂમ તૈયાર કરવામાં આવનાર છે.
વડાપ્રધાન મોદીની ટ્રાન્ઝિટ વિઝિટ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો શુક્રવારે હિરાસર એરપોર્ટની મુલાકાત લીધી હતી. જ્યાં એડવાન્સ સિક્યુરિટી લાઈઝનિંગ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવશે. સર્કિટ હાઉસ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હિરાસર એરપોર્ટની આ ટ્રાન્ઝિટ વિઝિટ માટે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા અડધો ડઝન જેટલા અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે.