સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાજેતરમાં જ મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. યુનિવર્સિટીમાં કોર્સ કે નવી કોલેજોને મંજૂરીમાં અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલતી હતી તે બંધ થાય એવા કેટલાક નિર્ણયો કર્યા હતા જેમાં હવે નેક એક્રેડિએટ હશે તે જ કોલેજોને નવા કોર્સની મંજૂરી મળશે. એકબાજુ યુનિવર્સિટીએ NAAC એક્રેડિએટ કોલેજને જ નવા કોર્સની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે બીજી બાજુ નવા આવેદન કરવા માટે નેકનું પોર્ટલ હાલ બંધ કરી દેવાયું છે. પોર્ટલ બંધ હોવાથી કોલેજો એક્રેડિટેશન માટે અરજી નહીં કરી શકે, અરજી નહીં થાય તો ઇન્સ્પેક્શન નહીં થાય અને એક્રેડિટેશન નહીં મળે અને જો એક્રેડિટેશન નહીં હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા કોર્સની મંજૂરી નહીં આપે. એટલે કે કોલેજોએ હવે નેકનું પોર્ટલ ફરી ખૂલે તેની રાહ જોવી પડશે.
હાલમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) એ તેની માન્યતા માટેની પ્રક્રિયામાં મોટા સુધારાઓ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા હેઠળ, એક ‘બાઈનરી માન્યતા’ સિસ્ટમ અપનાવવામાં આવશે, જેમાં સંસ્થાઓને માત્ર ‘માન્ય’ (માન્યતા) અથવા ‘અમાન્ય’ (અધિકૃત) દરજ્જો આપવામાં આવશે. વધુમાં, ‘મેચ્યોરિટી આધારિત ગ્રેડેડ લેવલ’ (લેવલ 1થી 5) પણ ડિસેમ્બર 2024 સુધીમાં રજૂ કરવામાં આવશે.