નવાગામ પોલીસ ચોકી સામે જ ધમધમતું કૂટણખાનું ઝડપાયું

રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ વિસ્તારમાં પોલીસ ચોકીની બિલકુલ સામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી સુપરવાઇઝર અને એક ગ્રાહકની ધરપકડ કરી છે. કંટ્રોલ રૂમની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની યુવતીઓને મુક્ત કરાવી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિના મુખ્ય સંચાલકો હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢી હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ખરાઈ કરવા ડમી ગ્રાહક મોકલ્યો દરોડાની વિગત મુજબ, નવાગામ પોલીસ ચોકી સામે આવેલી દ્વારકાધીશ હોટલવાળી શેરીમાં એક કાળા ડેલાવાળા મકાનના પ્રથમ માળે હિતેશ અને અમિત દ્વારા કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બાતમીની ખરાઈ કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેનો સંકેત મળતા જ સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી સંચાલક તરીકે કામ કરતો અક્ષય મથુર જમોડ (ઉ.વ. 20) અને શરીર સુખ માણવા આવેલો ગ્રાહક ઋત્વિક વાછાણી ઝડપાયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ મકાન હિતેશ ઉર્ફે રાણાની માલિકીનું છે.

દેહવ્યાપાર માટે બંગાળથી યુવતી બોલાવી પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી કઢંગી હાલતમાં યુવતીઓ અને ગ્રાહકો મળી આવ્યા હતા. પશ્ચિમ બંગાળથી આવેલી એક યુવતીએ કબૂલાત આપી હતી કે સંચાલકોએ તેને દેહવ્યાપાર માટે બોલાવી હતી અને તે તે જ દિવસે સવારે સુરતથી રાજકોટ આવી હતી. આરોપીઓ ગ્રાહક પાસેથી રૂ. 1,000 વસૂલતા હતા, જેમાંથી રૂ. 500 યુવતીને આપી બાકીના રૂ. 500 કમિશન પેટે પોતે રાખી આર્થિક કમાણી કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *