રાજકોટમાં નવરાત્રીના નવલા દિવસોનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને રાજકોટમાં આયોજિત થતા ગરબા મહોત્સવોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે રાજકોટનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, નવરાત્રીના આયોજન સ્થળો પર વેચાતા ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની ભેળસેળ કે અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવી શકાશે.
ડો. જયેશ વાંકાણીના જણાવ્યા અનુસાર, નવરાત્રી અને દશેરા જેવા તહેવારોમાં મોડી રાત સુધી ખાણી-પીણીના સ્ટોલ ખુલ્લા રહેતા હોય છે. ખાસ કરીને ગરબાના આયોજન સ્થળો પર કેટરિંગની વ્યવસ્થા અને ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવે છે. આ તમામ આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓએ તાત્કાલિક ટેમ્પરરી ફૂડ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. અને FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત છે અને લાયસન્સ મેળવવું એ આયોજકો માટે ખૂબ જ જરૂરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આયોજકોને ઓનલાઈન પ્રક્રિયા વિશે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.