22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઇને રાજકોટમાં 678 સ્થળોએ ગરબાનું આયોજન કરાયું છે. જેમાં 32 અર્વાચીન રાસોત્સવના આયોજનો છે, ત્યારે આ શરદીય નવરાત્રિના તહેવાર દરમિયાન યુવતીઓ માટે જેટલું મહત્વ ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સ અને મેકઅપનું છે એટલું જ મહત્વ હેર સ્ટાઈલનું પણ છે. સ્ટાઇલિશ દેખાવવાની સાથે સાથે નવરાત્રિ આરામદાયક રહે તેવી હેર સ્ટાઈલ યુવતીઓ પસંદ કરતી હોય છે, જે યુવતીઓને અલગ જ લૂક આપશે.
હેર સ્ટાઈલિસ્ટ બંસી પાડલિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી મેકઅપ અને હેર સ્ટાઇલિંગના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમના અનુભવ મુજબ નવરાત્રિ દરમિયાન યુવતીઓ એવી હેર સ્ટાઈલ વધારે પસંદ કરે છે જે સિમ્પલ પણ હોય અને ઝડપથી તૈયાર પણ થઈ જાય. જો તમારે માત્ર 5 મિનિટમાં જ હેર સ્ટાઈલ તૈયાર કરવી હોય તો સૌપ્રથમ વાળને સ્ટ્રેટ કરી લો. સ્ટ્રેટ કર્યા બાદ આગળના વાળને પીન સાથે ટ્વીસ્ટ કરી શકાય છે. અત્યારે બજારમાં વિવિધ ડિઝાઈનવાળી ચોટીઓ અને રેડીમેઇડ પીન ઉપલબ્ધ છે. જે ડાયરેક્ટ લગાવી શકાય છે અને અલગ લૂક આપી શકાય છે.
નવરાત્રિમાં સિમ્પલ બન અને મેસી બન સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે. બંસી પાડલિયા કહે છે કે, સિમ્પલ બનવાળી હેર સ્ટાઈલ લૂકને એકદમ એલિગન્ટ બનાવે છે. જ્યારે મેસી બન યુવતીઓને સ્ટાઈલિસ દેખાડે છે. મેસી બન ખાસ કરીને વેસ્ટર્ન ટચ આપતી ચણિયાચોળી સાથે ખૂબ જ સેટ થાય છે. આ ઉપરાંત ટોપનોચ હેર સ્ટાઈલ પણ નવરાત્રિમાં ખૂબ જ લોકપ્રિય છે. ટોપનોચમાં આગળના વાળને સારી રીતે પેક કરી દેવામાં આવે છે. જ્યારે પાછળના વાળ ખુલ્લા રાખવામાં આવે છે. આ હેર સ્ટાઈલ યુવતીઓને એકદમ સ્ટાઇલિસ, ટ્રેન્ડી અને યુનિક દેખાડે છે. ગરબા રમતી વખતે વાળ ચહેરા પર ન આવે અને ડાન્સનો આનંદ બગડે નહીં એ માટે આ સ્ટાઈલ ઘણી યુવતીઓ પસંદ કરે છે.