નર્મદા ટ્રાફિકે લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાએ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધઈ માંડવા ગામ નજીકથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બોલેરો ગાડી સાથે કુલ રૂ. 5,91,744 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ ઉધઈ માંડવા ગામ નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન વજેરીયા ગામ તરફથી GJ 06 AU 0270 નંબરની બોલેરો પિકઅપ ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ગાડી ચાલક ઊભો ન રહી ગાડી લઈને નાસી છૂટ્યો હતો.

ટ્રાફિક પોલીસ સ્ટાફે ગાડીનો પીછો કરતા, ગાડી ચાલકે ઉધઈ માંડવા ગામના રોડ નજીક ગાડી ઊભી રાખી કોતર તરફ ભાગી ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો.

જિલ્લા ટ્રાફિક પોલીસે બોલેરો ગાડી (નંબર GJ 06 AU 0270) અને દારૂનો જથ્થો તિલકવાડા પોલીસ મથકે લાવ્યો હતો. તપાસ દરમિયાન દારૂની કુલ 1,336 નાની-મોટી બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 5,91,744 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરીને ફરાર થયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *