અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે. વિજયભાઈ રૂપાણી બાદ ગઈકાલે મુક્તાબેન ડાંગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગઈકાલે નરશીભાઈ સગપરિયાના DNA મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો જે બાદ આજે(19 જૂન) સવારે કાલાવડ રોડ પર મોટા મવા સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નરશીભાઈ સગપરિયા લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી તેમની દીકરીના કોન્વોકેશ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતા તેઓનું મોત નીપજ્યું હતું.
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગઈકાલે સવારે મુક્તાબેન ડાંગર બાદ સાંજના સમયે નરશીભાઈ સગપરિયાના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આજ રોજ સવારે 8 વાગ્યે શહેરના કાલાવડ રોડ પર રૂડાનગર શેરી નંબર 1માં આવેલ ગ્રામ્ય વીલા તેમના નિવાસસ્થાનેની અંતિમ યાત્રા નીકળી હતી અને મોટા મવા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરશીભાઈના પુત્ર નીવ સગપરિયાએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મારા પિતાનું અવસાન થયું છે. અમે સતત સરકારના સંપર્કમાં રહી DNA મેચ થયા કે કેમ તે અંગે પૂછપરછ કરતા હતા. ગઈકાલે અમને કોલ આવ્યો હતો અને DNA મેચ થઇ ગયા હોવાની જાણ કરી મૃતદેહ અમને સોંપવામાં આવ્યો છે. પોલીસ અને મામલતદાર સાથે રહી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સુધી અમને મૃતદેહ પહોંચાડવામાં આવ્યો છે.