રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં વેગડી ગામ નજીક આવેલી ભાદર નદીમાં માછીમારી માટે નાવ લઈને જઇ રહેલા પિતાની નજર સામે પુત્રને વીજ શોક લાગતાં મોત નીપજ્યું હતું. પુલ નીચેથી પસાર થતી વખતે પીજીવીસીએલના તારને અડકી જતાં આ ઘટના બની હતી. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
બનાવની જાણવા મળતી વધુ માહિતી અનુસાર રાજકોટ જિલ્લાનાં ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલા વેગડી ગામ નજીક ભાદર નદીનો પુલ આવેલો છે, ભાદર નદીમાં માછલીઓ પકડવાનું કામ કરી ફેંકુભાઈ ટીલો સાહની નામનો પરપ્રાંતીય વ્યક્તિ અને તેનો પુત્ર વિશાલ ભાઈ ફેંકુ નાવ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે વેગડીનો પુલ ઓળ઼ંગતી વખતે નદી ઉપરથી પીજીવીસીએલના તારમાંથી કોઈ કારણોસર વિશાલને ભારે કરંટ લાગ્યો હતો અને વિશાલ ખેંચાઇને નદીમાં ખાબક્યો હતો.
પોતાની નજર સામે પુત્ર નદીમાં પડતાં તેને બચાવવા પિતાએ તેને કાઢવાની કોશિશ કરી જોઇ, પરંતુ સફળ ન થતાં ઘટનાની જાણ ધોરાજી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને અને ફાયરના જવાનો તેમજ પીજીવીસીએલના કર્મચારીઓ અને નાવના માલીક દોડી આવ્યા હતા અને નદીમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.