અગ્નિકાંડ બાદ નકલી મિનિટ્સ બુકના કેસમાં ધરપકડ પામેલા મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને પોલીસે છ દિવસના રિમાન્ડ પર લીધો હતો. નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવશે.
તા.27ના મનસુખ સાગઠિયા સહિત ટીપી શાખાનો સ્ટાફ મળ્યો હતો અને નકલી મિનિટ્સ બુક બનાવી હતી, તે મિનિટ્સ બુક પરથી સાગઠિયાએ પોતાને નિર્દોષ બતાવવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ પૂછપરછમાં આ ભેદ ખૂલી જતાં સાગઠિયા સામે નકલી મિનિટ્સ બુક બનાવવા અંગેનો વધારાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અગ્નિકાંડમાં રિમાન્ડ પૂરા થયા બાદ મનસુખ સાગઠિયા જેલમાં ધકેલાયો હતો. પોલીસે સોમવારે તેનો જેલમાંથી ઉપરોક્ત ગુનામાં કબજો મેળવી તેને મંગળવારે કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો.