શહેરમાં પોલીસની પકડ ઢીલી પડી હોય તેમ બાઇકસવાર સમડી ફરી સક્રિય થઇ હોય તેમ કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં બુકાનીધારી બાઇકસવાર બેલડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી બે તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયાની જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બુકાનીધારી સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નંદનવન સોસાયટીમાં રહેતા જ્યોતિબા સહદેવસિંહ વાળા (ઉ.55) સાંજના તેના ઘર પાસે પગપાળા વોકિંગ કરતા હતા તે દરમિયાન ઘર નજીક લારીમાંથી શાકભાજી લેવા ઊભા હતા તે દરમિયાન પાછળથી બાઇકમાં આવેલી બુકાનીધારી બેલડીએ ઝોંટ મારી બે તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરતાં મહિલાએ દેકારો કરતા બન્ને શખ્સ નાસી ગયા હતા. બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ઇન્દ્રજિતસિંહ સહિતના સ્ટાફે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે સમડીને પકડી લેવા કાર્યવાહી કરી છે.