વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ ના નિર્માતાઓને શુક્રવારે કેરળ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અદાલતે ફિલ્મની રિલીઝ પર લાગેલી વચગાળાની રોક હટાવી દીધી છે. પરિણામે, હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકશે.
ડિવિઝન બેન્ચે આપ્યો મહત્વનો ચુકાદો
અગાઉ હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ (જસ્ટિસ બેચુ કુરિયન થોમસ) દ્વારા ફિલ્મની રિલીઝ પર 15 દિવસની વચગાળાની રોક લગાવી હતી. જોકે, ગુરુવારે કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ નિર્ણયને પલટાવી દીધો છે. જસ્ટિસ એસ.એ. ધર્માધિકારી અને જસ્ટિસ પી.વી. બાલકૃષ્ણનની ડિવિઝન બેન્ચે સુનાવણી બાદ સ્પષ્ટ કર્યું કે- ફિલ્મની રિલીઝ પર રોક જારી રાખવા માટે કોઈ ઠોસ આધાર જણાતો નથી.
ન્યાયિક પ્રક્રિયાના વિવિધ સ્તરો પાર કર્યા બાદ હવે ‘ધ કેરળ સ્ટોરી 2’ કોઈપણ કાનૂની અવરોધ વિના મોટા પડદા પર રિલીઝ માટે તૈયાર છે. વિવાદોને કારણે આ ફિલ્મ પહેલેથી જ ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે હવે રિલીઝ બાદ પ્રેક્ષકોનો પ્રતિસાદ કેવો રહેશે તેના પર સૌની નજર ટકેલી છે.
શું હતો સંપૂર્ણ મામલો?
કેરળ હાઈકોર્ટે ગઈકાલે (ગુરુવારે) ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ ના રિલીઝ પર રોક લગાવી દીધી હતી. કોર્ટે સેન્સર સર્ટિફિકેટને લઈને ઊઠેલા પ્રશ્નો બાદ સેન્સર બોર્ડ (CBFC)ને ફિલ્મની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો. ‘ધ કેરળ સ્ટોરી 2’ ફિલ્મ આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક લોકોએ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ‘ફિલ્મનું નામ અને વાર્તા કેરળની છબિ ખરાબ કરી શકે છે.’