ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા 14 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને સોમવારથી રાજકોટ સહિત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટમાં આશરે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે. ખાનગી શાળાઓમાં એક દિવસ પરીક્ષા અને એક દિવસ સ્ટડી ડે તરીકે રાખવામાં આવી રહ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ 27 ઓક્ટોબરના રોજ પ્રથમ સત્ર સત્તાવાર રીતે પૂર્ણ થશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે નવા સત્રના પ્રારંભે જ એકેડેમિક કેલેન્ડર દરેક શાળાઓ માટે જાહેર કરી દેવામાં આવે છે. જેમાં વર્ષ દરમિયાન થનારા શૈક્ષણિક કાર્યના દિવસો, જાહેર રજાઓ, દિવાળી તથા ઉનાળુ વેકેશન તથા પરીક્ષાની તારીખો પણ વર્ષની શરૂઆતમાં જ જાહેર કરી દેવામાં આવતી હોય છે. જૂનમાં શરૂ થયેલા સત્રથી લઈને સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને શાળામાં જે અભ્યાસ ભણાવવામાં આવ્યો છે તે અભ્યાસક્રમના આધારે પરીક્ષા લેવામાં આવી રહી છે. દિવાળી વેકેશન દરમિયાન જ રાજકોટની મોટાભાગની શાળાઓમાં પેપર મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે અને સંભવત બીજા સત્રના પ્રારંભે જ પ્રથમ સત્રાંત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બીજા શૈક્ષણિક સત્રનો 18 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવશે. બીજા શૈક્ષણિક સત્રમાં અભ્યાસના 135 દિવસ નક્કી કરવામાં આવ્યા છે અને 4 મેના રોજ બીજા શૈક્ષણિક સત્રનો અંત થશે.