27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાની હોલટિકિટ પણ જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે આજે શિક્ષણ મંત્રી રાજ્યના તમામ ડીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સથી પરીક્ષાના એક્શન પ્લાન અંગેની ચર્ચા કરશે. જ્યારે બપોરે 3 વાગ્યે રાજકોટ જિલ્લા કલેક્ટર પણ પરીક્ષા સમિતિની રિવ્યૂ મિટિંગ યોજવાના છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં મહત્ત્વની બાબત એ સામે આવી છે કે, બોર્ડની પરીક્ષા શરૂ થાય ત્યારથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી શાળાઓમાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ સાચવી રાખવું પડશે અને જરૂર પડ્યે રજૂ કરવું પડશે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં એચ.ડી. કેમેરાથી પેપર લીકની ભીતિ પણ સેવાઈ રહી છે. જીપીએસસી પણ આ મામલે રિસર્ચ કરી રહી છે અને જરૂર પડ્યે પરીક્ષા ખંડમાં એચ.ડી. સીસીટીવી કેમેરા પર પ્રતિબંધ પણ લાદી શકે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેનો એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. આ પરીક્ષામાં રાજ્યમાં કુલ 14.30 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજકોટમાં ધોરણ-10માં 45,469 વિદ્યાર્થી, ધોરણ-12 સાયન્સમાં 7668 અને ધોરણ-12 કોમર્સમાં 24,107 વિદ્યાર્થી સહિત કુલ 77,244 પરીક્ષાર્થી નોંધાયા છે. આજે બપોર સુધીમાં રાજ્યના શિક્ષણ મંત્રી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજવાના છે જ્યારે બપોરે 3 વાગ્યે જિલ્લા કલેક્ટર ઓફિસમાં ડીઈઓની ઉપસ્થિતિમાં પરીક્ષા સમિતિની બેઠક મળવાની છે. જેમાં જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો, બિલ્ડિંગ, સ્ટ્રોંગરૂમ સહિતની બાબતોનું રિવ્યૂ કરાશે.