રાજકોટ સહિત રાજ્યભરમાં સોમવારથી પરીક્ષા ફીવર છવાયો છે. કારણ કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો સોમવારથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. રાજકોટમાં 30 બિલ્ડિંગ અને 261 બ્લોકમાં કુલ 12,947 વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે નોંધાયા છે. પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10ના ગુજરાતી-હિન્દી પ્રથમ ભાષાના પેપર તેમજ ધો.12 સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જે ટેક્સ્ટબુક આધારિત નીકળ્યું હતું. જ્યારે બપોરના સેશનમાં ધો.12 સાયન્સમાં ભૌતિકવિજ્ઞાનનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવ્યું હતું.
બોર્ડની મુખ્ય પરીક્ષાની જેમ જ પૂરક પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. રાજકોટમાં ધોરણ-10માં 5235 વિદ્યાર્થી, ધોરણ-12 કોમર્સમાં 3946 વિદ્યાર્થી અને ધોરણ-12 સાયન્સમાં 3766 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આજે તારીખ 24 જૂને ધોરણ 10 અને 12 સાયન્સમાં અંગ્રેજી, ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર-સંસ્કૃતનું પેપર લેવાશે. આ વખતે ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે.
ઉપરાંત પાસ થયેલા ઉમેદવારો પણ પોતાનું પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. સમગ્ર રાજ્યના અંદાજે 1.95 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે. રાજ્યભરમાં 13 હજાર વિદ્યાર્થીઓ એવા છે જેઓ ફેબ્રુઆરીમાં લેવાયેલી મુખ્ય પરીક્ષા પાસ કરવા છતાં વધુ ગુણ મેળવવાની આશામાં અથવા વધુ સારું પરિણામ મેળવવા માટે ફરીથી પરીક્ષા આપવા જઈ રહ્યા છે. શિક્ષણબોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10-12ની પૂરક પરિક્ષા 3 જૂલાઇ સુધી ચાલશે.