ધોરાજીનાં વેગડીમાંથી પસાર થતી ભાદર નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં તાલુકા પોલીસે ધસી જઇને લાશનો કબજો લઇ તેની ઓળખ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વૃધ્ધ રાજકોટના રહીશ હતા અને નિવૃત્ત જીવન ગાળતા હતા. જો કે તેમને કોઇ તકલીફ હોવાનું કે આર્થિક સંકડામણ હોવાની બાબતને પરિવારજનોએ નકારી છે.
બે દિવસ પહેલાં ઘરેથી કોઇને કશું કહ્યા વિના નીકળી ગયા હોઇ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઇ ભાળ ન મળતાં તેમના પુત્રએ ગુમશુદા નોંધાવી હતી અને આજે તેમનો મૃતદેહ મળતાં આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે સહિતની તપાસ શરૂ કરાઇ છે. ધોરાજીનાં વેગડી પાસે આવેલ ભાદર નદીમાં પાણીમાં કોઇ પૂરૂષનો મૃતદેહ પડેલો હોવાની પોલીસને જાણ થતાં જામકંડોરણા અને ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા ની ફાયર બ્રિગેડ વિભાગની ટીમે દોડી જઇને તપાસ હાથ ધરી હતી
અને લાશને બહાર કાઢીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોલીસે આ મૃતદેહ કોનો છે તે જાણવા તેમજ તેના વાલી વારસોની તપાસ હાથ ધરી હતી એ જ અરસામાં માલૂમ પડ્યું હતું કે રાજકોટના ગોવર્ધન ચોકમાં આવેલા શ્યામલ સિટીના બ્લોક નં.10માં રહેતા બાવનજીભાઇ જગજીવનભાઇ હરસોડાની આ લાશ છે અને તેમના પુત્ર ચંદ્રેશે બે દિવસ પહેલાં પિતા ઘરેથી કશું કહ્યા વિના નીકળી ગયા હોવાની કેફિયત આપી હતી અને ગુમશુદા નોંધાવી હતી જેના આધારે તપાસ ધોરાજી સુધી લંબાઇ હતી.