ધોરાજી શહેરનાં જૂનાગઢ રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાને બદલે કિલોમીટર દુર સૂધી ડાયવર્ઝન આપવામા આવતાં ધોરાજી નાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક રજૂઆતો છતા નીંભર તંત્રના કાને પ્રજાનો અવાજ નહી પડતા આખરે હિત રક્ષક સમિતિના નામે શહેરીજનોએ જૂનાગઢ રોડ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
કોઈપણ રોડ રસ્તા કે પુલના નિર્માણ કાર્ય સમયે રાહદારીઓ માટે આસપાસમાં ડાયવર્ઝન અપાતું હોય છે. ત્યારે ધોરાજીના જુનાગઢ રોડ પાસે ઓવરબ્રિજની કામગિરી સંદર્ભે ધોરાજીથી જૂનાગઢ જવા માટે આઠ થી દસ કિલોમીટર દૂર ડાય વર્ઝન અપાયું છે. છે તંત્રની સીધી બેદરકારી દર્શાવે છે. આથી ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ખેડૂતો, વેપારીઓ દ્વારા જુનાગઢ રોડ ફાટક પાસે ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કરી ને ધોરાજી નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી ને સમસ્યાઓ હલ કરવા રજૂઆત કરાઈ હતી.
ધોરાજીનાં પ્લાસ્ટિક ઉદ્યોગ એસો.ના દલસુખભાઈ વાગડીયા ,હિત રક્ષક સમિતિના ગૌતમ ભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે રેલ્વે ક્રોસિંગ પાસે ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે. વેપારીઓ, મજૂરો, કે માલ સામાન હેરફેર કરવા માટે અનેક કિલોમીટર દૂર ફરવા જવું પડે છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જુનાગઢ રોડ પર ખેતરોમાં જવા માટે પાંચથી સાત કિલોમીટર દુર ફરવા જવું પડે છે . ક્રોસિંગ આસપાસની સોસાયટીના બહેનોએ પણ કામ કાજ અને કાચા રસ્તા પર વાહનોની અવજવર ને કારણે સતત ધૂળ ઉડતી હોઈ અને આસપાસના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની વાત ઉચ્ચારી ચક્કાજામ ને સમર્થન આપ્યું હતું. ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઇ વોરા અને નગરસેવક યુસુફભાઈ નવીવાલા અને કૉંગ્રેસ ટીમ પણ ચક્કાજામ માં જોડાઈ આંદોલન, વિરોધ પ્રદર્શન ને સમર્થન આપ્યું હતું.