ધોરાજી ધોરાજી કૈલાશ નગરના વોંકળા પર હયાત પુલની પેરેલલ અન્ય એક પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરના કૈલાશ નગર વિસ્તારમાં પ્રવેશ માટે વોંકળા પર માત્ર એક જ પુલ હોવાથી આ વિસ્તારમાંથી પસાર થતાં લોકોને અને વાહન ચાલકોને પરેશાની ઉઠાવવી પડે છે. ત્યારે વધુ એક પુલનું નિર્માણ કરવામાં આવે તો રાહદારીઓની સમસ્યા નિવારી શકાય તેમ છે નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાઓ હલ કરે તેવી માગણી ઉઠી છે. ધોરાજી વોર્ડ નંબર છ ના નગરસેવક અને એડવોકેટ યુસુબ ભાઈ નવીવાલાએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે જેમાં જણાવાયું છે કે ધોરાજી શહેરના વોર્ડ નંબર નવમાં આવેલ કૈલાશ નગર વિસ્તાર એ હાલમાં હિરપરા વાડીથી સ્ટેશન પ્લોટ અને જુનાગઢ રોડ ને જોડતો મુખ્ય રસ્તો થઈ ગયો છે આ બંને મોટા વિસ્તારોમાં આવવા જવા માટે કૈલાશ નગરમાંથી નીકળવું પડતું હોય છે. આ વિસ્તારની આસપાસમાં રહેણાંક અને ઔદ્યોગિક બંને આવાસો આવેલા હોવાથી આ વિસ્તારના વોંકળા પર હજુ એક પુલ બાંધવામાં આવે તો વાહન ચાલકો અને રાહદારીઓને વધારે સુવિધા મળી શકે.
રાજાશાહી સમયના વોંકળા પર જૂના સમયથી માત્ર એક જ પુલ બનેલો છે અને હાલ વાહનોની સતત અવરજવર વધી જતી હોય વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં વાહનોની અવરજવર વધી જતી હોય જેથી કૈલાશનગરના પ્રવેશ માટે માત્ર એક જ પુલ છે તેની જગ્યાએ એ વોંકળા પર બીજો પુલ બાંધી દેવામાં આવે તો આ વિસ્તારની જનતાને સગવડ મળી રહે તેમ જ હિરપરા વાડી બસ સ્ટેશન વિસ્તાર જુનાગઢ રોડ અને સ્ટેશન પ્લોટ વિસ્તારથી આવન જાવન કરતાં વાહન ચાલકોને રાહદારીઓને અને વિદ્યાર્થીઓને વધારે સુવિધા મળી રહે એ માટે નવા પુલનું નિર્માણ કરવા માટે માગણી કરવામાં આવી હતી.