રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે, આ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોરટ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે, પોલીસ તપાસ દરમિયાન હત્યા કે અન્ય કોઈ કારણથી મોત થયું હોવાનું બહાર આવશે.
ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સિમ વિસ્તારમાંથી 25 વર્ષીય વિમલ સાગઠિયા નામના યુવકનો મંદિર પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની હત્યા થઈ છે કે અન્ય કારણોસર મોત નીપજ્યું તેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ઘટનાની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
તો બીજી તરફ સાગઠિયા પરિવાર દ્વારા યુવકને ફાંસો આપી હત્યા કરી મૃતદેહ મંદિર પાસે મૂકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને પરિવારે હત્યાના આક્ષેપો સાથે ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો. આ મામલે પરિવાર દ્વારા શકમંદના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવાયું હતું. વિમલ સાગઠિયાની હત્યાના શખસોને પકડવા માગ કરાઈ છે. જ્યાં સુધી કથિત શખસ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો.