ધોરાજી કોર્ટે આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈને ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધવા બદલ ગુનેગાર ઠરાવી, 20 વર્ષની સજા ફટકારી હતી તથા ચાર્જશીટ મુજબ મદદગારી કરનાર તહોમતદાર સાગર ઉર્ફે લાલો કમલેશભાઈને શંકાનો લાભ આપી છોડેલા હતા. જામકંડોરણામાં સગીરાના પિતાએ ફરિયાદ કરી હતી કે સપ્ટેમ્બર 2023ના અરસામાં ભોગ બનનાર દીકરી જામકંડોરણા છાત્રાલયમાંથી વંડી ટપી, ભાગી ગયેલી હતી તેના આધારે ગુનો નોંધી તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી અભય ઉર્ફે સન્ની દિલ્હીથી મળી આવેલા હતા. બાદમાં પોલીસ તપાસના અંતે તેઓએ આરોપી અભય ઉર્ફે સની વિરુદ્ધ ચાર્જશીટ કરેલું હતું.
ભોગ બનનાર જાણતી હતી કે આરોપી પરિણીત છે, તેને બાળકો છે, આરોપી સાથે તા. 11/5/2023ના ગોંડલથી ભાગી મુંબઈ ગયેલા હતા ત્યાં 20 દિવસ સાથે રહેલા, પરંતુ પકડાઈ જતા ભોગ બનનારને પરત માતા પિતાને સોંપેલ, માતા પિતાએ તેણીને છાત્રાલયમાં મૂકેલી. જ્યારે આરોપી અભય ગોંડલની પોક્સો કેસમાં જેલમાંથી જામીન પર છૂટતા ફરીથી સંપર્કમાં આવતા સગીરાને સાદો મોબાઈલ અપાવેલો, ગૃહ માતાની સતર્કતાના લીધે તે મોબાઈલ પકડાઈ જતા ભાગી ગઇ હતી, અગાઉથી નક્કી કર્યા પ્રમાણે અભય અને સાગર પુલ પાસે ઊભા હતા. ત્યાંથી સગીરાને લઇ આરોપી અભય અને સાગર રાજકોટ થઈ દિલ્હી જતા રહેલ, દિલ્હીમાં રૂ. 18000થી ઘર ભાડે રાખી પતિ-પત્નીની જેમ રહેતા અને અભય શરીરસંબંધબાંધતો હતો.
આ કેસ ચાલી જતાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ એ બંને પક્ષે દલીલો સાંભળી આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈ ને કસુરવાર ઠેરવી 20 વર્ષની સજા તથા રૂપિયા 5000 દંડ ફટકાર્યો છે