ધોરાજીમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવીને ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને 16 લાખની માગણી કર્યા બાદ ચાર લાખ રૂપિયા પડાવનારા બે મહિલા અને જેતપુરના એક યુવાન મળી ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આ રીતે અગાઉ કેટલા લોકોને ફસાવ્યા છે અને કેટલા નાણાં પડાવ્યા છે એ સહિતની વિગતો ઓકાવવા તજવીજ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીમાં લગ્ન કરાવી આપીશ તેમ કહીને બે મહિલા સહિતની ત્રિપુટીએ સ્ત્રી પાત્ર બતાવવાના બહાને યુવકને બોલાવી તેના ફોટા અને વીડિયો ઉતારી લીધા બાદ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને હની ટ્રેપમા આબાદ ફસાવ્યા બાદ તેને દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી કટકે કટકે ચાર લાખ વસુલ્યા હતા અને વધુ 16 લાખની માગણી કરતાં યુવાને પોતાના કાકા અને મિત્રોને વાત કરતા ફરિયાદ કરવા હિંમત આપી હતી અને ધોરાજી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. તપાસમાં પીઆઈ એ.બી. ગોહિલ અને તેમની ટીમે જેતપુરના જાહિદ હમીદ પઠાણ, ધોરાજીના કુંભારવાડામાં રહેતી નુરમા ઉર્ફે કારી ઉર્ફે પપુડી ઇકબાલ અને યાસ્મીન જાવિદ ઉ.વ. 35 ને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છેે.